
અમરેલી,19 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ વિસ્તારના જનસુવિધા અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા ના હસ્તે ઘાંડલા–વણોટ રોડના રૂ. 1.40 કરોડના ખર્ચે થનારા રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ લાંબા સમયથી વાહનચાલકો અને ગ્રામજનો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો, જેને ધ્યાને લઈ સરકાર દ્વારા રિસરફેસિંગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે સારા રસ્તા વિકાસની રીડ સમાન છે. વિસ્તારના ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોને સુગમ અને સલામત મુસાફરી મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ઘાંડલા–વણોટ રોડનું કામ પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર વધુ સરળ બનશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પણ ગતિ મળશે.
તે ઉપરાંત ધારાસભ્ય મહેશ કસવાલાએ વણોટ–ચીખલી રોડની રૂ. 1.05 કરોડના ખર્ચે રિસરફેસિંગ થયેલ કામગીરીની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી. તેમણે કામની ગુણવત્તા નિહાળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai