
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી દિપુ ને અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહી અલગ અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો, પરંતુ અમરેલી એલ.સી.બી.ની સતર્કતા અને સતત મહેનતના પરિણામે અંતે તેને પંજાબ રાજ્ય ખાતેથી પકડી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી દિપુ વિરુદ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાંથી ફરાર થયા બાદ છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. એલ.સી.બી. ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરી આરોપીના લોકેશન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. મળેલી માહિતીના આધારે ટીમે આયોજનબદ્ધ રીતે પંજાબ રાજ્યમાં તપાસ હાથ ધરી અને સફળતા પૂર્વક આરોપીની ધરપકડ કરી.
આ કાર્યવાહી દરમિયાન એલ.સી.બી.ની ટીમે આંતરરાજ્ય સ્તરે સંકલન કરી ઝડપી અને અસરકારક રીતે ઓપરેશન પૂર્ણ કર્યું. આરોપીની ધરપકડ થતાં અમરેલી જિલ્લામાં લાંબા સમયથી લટકેલા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. હાલ આરોપીને અમરેલી લાવવામાં આવી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અમરેલી પોલીસની આ સફળ કામગીરીથી ગુનાહિત તત્વોમાં ભય ફેલાયો છે અને નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai