
મહેસાણા, 19 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ દેલોય ખાતે O.N.G.C. મહેસાણા માં ડેપ્યુટી જનરલ મેનેજર (ઇલેક્ટ્રિકલ) તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવનાર શ્રી ઝાલૈયા દિલીપકુમાર અભેસિંહજી ના વય નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય મનીષા સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિવૃત્ત અધિકારીના કાર્યકાળને બિરદાવતા જણાવ્યું કે દિલીપકુમાર ઝાલૈયાએ ONGC જેવી રાષ્ટ્રીય સંસ્થામાં ટેકનિકલ ક્ષેત્રે ઉત્તમ સેવા આપી છે. તેમની નિષ્ઠા, શિસ્ત અને કાર્યકુશળતા અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ રહી છે.
કાર્યક્રમ દરમિયાન સહકર્મીઓએ દિલીપકુમાર ઝાલૈયા સાથે જોડાયેલા અનુભવો યાદ કર્યા અને તેમની સેવાઓને સ્મરણ કરી શુભેચ્છાઓ પાઠવી. નિવૃત્ત અધિકારીને શાલ, સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં ONGC ના અધિકારીઓ, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક અને ગૌરવસભર વાતાવરણમાં સંપન્ન થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR