
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.)પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને તેના સાંસ્કૃતિક મહત્વને પુનર્જીવિત કરવા માટે 23 જાન્યુઆરી, વસંત પંચમીના રોજ વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું છે. આ પરિક્રમા સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ પાટણના પાલડી સ્થિત આનંદેશ્વર મહાદેવથી શરૂ થશે.
પ્રાચીન સમયમાં સરસ્વતી નદી આ વિસ્તારની આધ્યાત્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક જીવનરેખા હતી. નદીના કિનારે ઋષિમુનિઓના આશ્રમો અને વિદ્યાકેન્દ્રો આવેલા હતા. ભૌગોલિક પરિવર્તનોથી નદી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ, પરંતુ તેની સ્મૃતિ અને મહત્ત્વ આજે પણ જીવંત છે.
ડૉ. જીગર પટેલે માહિતી આપતા જણાવ્યું કે યાત્રાનું પ્રસ્થાન સવારે 8:15 વાગ્યે થશે. આશરે 17–18 કિ.મી. લાંબી પદયાત્રા પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અજીમણા અને રૂણી ગામો થઈ સાંજે 4 થી 5 વાગ્યે ફરી આનંદેશ્વર મહાદેવ ખાતે પૂર્ણ થશે.
આ પરિક્રમાનો મુખ્ય સંકલ્પ સરસ્વતી નદી સિદ્ધપુરથી પાટણ સુધી વર્ષભર વહેતી રહે તે માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. નદીને માત્ર પાણીનો સ્ત્રોત નહીં પરંતુ સંસ્કૃતિ અને ચેતનાની ધારક તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે.
પરિક્રમામાં 100થી વધુ સાધુ-સંતો અને હાલ 500થી 600 શ્રદ્ધાળુઓ જોડાશે, જે સંખ્યા 1,000થી 2,000 સુધી પહોંચવાની શક્યતા છે. સ્થાનિક લોકો, ગ્રામ્ય વિસ્તારો અને વિવિધ અગ્રણીઓનો સહકાર પણ મળી રહ્યો છે.
આ પહેલથી નદી કાંઠે હરિયાળી, ભૂગર્ભ જળસ્તરમાં વધારો, ખેતી અને રોજગારમાં સમૃદ્ધિ, તેમજ ધાર્મિક-સાંસ્કૃતિક જાગૃતિ વધશે. મા સરસ્વતીના પુનઃ ધરા અવતરણથી ધર્મ, જ્ઞાન અને વૈદિક સંસ્કૃતિનો નવેસરથી ઉજાસ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ