

પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) પાટણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઠંડા પવનોના કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે.
ઠંડી વધતાં વાલીઓ નાના બાળકોને બચાવવા માટે ગરમ કપડાં, સ્વેટર અને ટોપીઓની ખરીદી કરી રહ્યા છે. પાટણના મુખ્ય બજારમાં ફૂટપાથ પર નાના વેપારીઓએ બાળકોના ગરમ વસ્ત્રોની હાટડીઓ લગાવી છે, જ્યાં શોરૂમની સરખામણીએ સસ્તા ભાવે કપડાં મળી રહ્યા છે. સાથે સાથે યુવાનો અને યુવતીઓ પોતાની પસંદગી મુજબના સ્વેટર અને ટોપીઓ માટે શોરૂમોમાં ધસારો કરી રહ્યા છે.વાલીઓ બાળકોના આરોગ્ય માટે ગરમ વસ્ત્રોની સાથે શરદી-ખાંસી પ્રતિરોધક આહાર પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક, યોગા, પ્રાણાયામ અને કસરત કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જાહેર માર્ગો અને ખુલ્લા પ્લોટોમાં દરેક વયજૂથના લોકો કસરત કરતા જોવા મળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ