ગુજરાતની 185 નદીઓના બંન્ને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરાશે: મંત્રી અર્જુન મોઢવાડિયા
ગાંધીનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) વાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારના વર્ષ 2023 ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના ક
ફાઈલ ફોટો: મંત્રી અર્જુન મોઢવાડિયા


ગાંધીનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) વાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારના વર્ષ 2023 ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું હતું.

વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. અન્ય કોઇ હેતુ માટે આવી જમીનનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

મંત્રીએ કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી. આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે. આવી જમીનનું રક્ષણ, જાળવણી તથા સંરક્ષણ કરવાની જવાબદારી વન અને પર્યાવરણ વિભાગ/ તેના તાબા હસ્તકની કચેરીઓની રહેશે.

આ કાર્યક્ષેત્ર હેઠળની જમીન પર જો દબાણ હોય તો તે દુર કરવા અંગેની કાર્યવાહી વન અને પર્યાવરણ વિભાગ/તેના તાબા હસ્તકની કચેરીએ કરવાની રહેશે. આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનમાંથી ઈલેકટ્રીક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થળ સ્થિતિ અનુસાર અન્ય કોઈ સંસ્થા-કચેરીનો અભિપ્રાય મેળવવો યોગ્ય જણાય તો સંબંધિત કચેરીનો અભિપ્રાય મેળવવાનો રહેશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સંરક્ષિત વિસ્તારોમાં વન્યપ્રાણી વિભાગો દ્વારા અને વન વિસ્તારોમાં આવતી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી ક્ષેત્રીય વન વિભાગો દ્વારા કરવાની રહેશે. આ સંરક્ષિત વિસ્તારો અને વન વિસ્તારો બહાર આવેલી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી સામાજિક વનીકરણ વિભાગો દ્વારા નક્કી કરેલ શરતોને આધિન અને જે તે જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી કરી તેઓના હસ્તક મેળવી આગળની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, Riverine Forest Landscape Management થકી નદીઓના બન્ને કાંઠા પર ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’માં નર્મદા,તાપી, પૂર્ણા સહિત તળ ગુજરાત વિસ્તારમાં 17 નદીઓ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 71 તેમજ કચ્છ વિસ્તારમાં આવેલી સૌથી વધુ 97 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ થકી નદીઓના બન્ને કાંઠાની જમીન ધોવાણ પણ અટકશે અને સાથે સાથે ભૂગર્ભ જળ સ્તર પણ વધુ ઊંચા આવશે.

વન રાજ્ય મંત્રી માળીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ગ્રીન કવર વધારવા વન મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક વનોનું નિર્માણ, નમો વડ વન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા મિશન લાઈફ અંતર્ગત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એક પેડ માં કે નામ અભિયાનમાં વૃક્ષ ઉછેરમાં ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. આ નવીન અભિયાન બાદ ગુજરાતના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો થશે તેવો મંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande