મહેસાણા જિલ્લામાં બિનઅધિકૃત ખનિજ વહન સામે ભૂસ્તરવિજ્ઞાન વિભાગની કડક કાર્યવાહી
મહેસાણા, 02 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનિજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન કડી, સતલાસણા અને મહેસાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું
મહેસાણા જિલ્લામાં બિનઅધિકૃત ખનિજ વહન સામે ભૂસ્તરવિજ્ઞાન વિભાગની કડક કાર્યવાહી


મહેસાણા, 02 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનિજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન કડી, સતલાસણા અને મહેસાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યમાં ખનિજ સંપત્તિનું રક્ષણ કરવું તેમજ ગેરકાયદે ખનન અને વહનને અંકુશમાં લેવાનો રહ્યો.

ચેકિંગ દરમિયાન સાદી રેતી, સાદી માટી તેમજ અધર બિલ્ડિંગ સ્ટોન જેવા ખનિજનું બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૬ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા. આ તમામ ડમ્પરોમાં વહન થતા ખનિજની અંદાજિત કિંમત રૂ. ૧.૮૦ કરોડ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા તાત્કાલિક દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. ૧૩.૩૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી રૂ. ૮.૪૯ લાખની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે બાકીની રકમની વસૂલાત માટેની કાર્યવાહી ચાલુ છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા સમયમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને બિનઅધિકૃત ખનિજ વહન કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનિજ વ્યવસાયમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સામાન્ય જનતામાં કાયદાનું પાલન અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ પહોંચ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande