
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ વર્ષ 2025ના જન્મ-મરણના આંકડા જાહેર કર્યા છે. શહેરમાં કુલ 10,267 બાળકોના જન્મ નોંધાયા છે, જેમાં 4,788 દીકરીઓ અને 5,479 દીકરાઓનો સમાવેશ થાય છે. માસવાર આંકડા મુજબ ઓગસ્ટ 2025માં સૌથી વધુ 1,363 જન્મ નોંધાયા, જ્યારે નવેમ્બર 2025માં 1,099 જન્મ થયા; અન્ય મહિનાઓમાં સરેરાશ 600થી 900 જન્મ નોંધાયા હતા.
મૃત્યુના આંકડાઓ અનુસાર, વર્ષ દરમિયાન કુલ 1,386 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં 547 સ્ત્રીઓ અને 839 પુરુષો છે. એક વર્ષથી ઓછી વયના 42 શિશુ મૃત્યુ અને 1થી 5 વર્ષની વયના 8 બાળકોના મૃત્યુ નોંધાયા છે. ઉપરાંત, કુલ 158 મૃત જન્મ (સ્ટિલ બર્થ)ના કેસ પણ સરકારી ચોપડે નોંધાયા છે.
જન્મ અને મરણ નોંધણી તેમજ પ્રમાણપત્ર ફીમાંથી નગરપાલિકાને કુલ 3,79,300 રૂપિયાની આવક થઈ છે. તેમાં મોડી નોંધણી ફીના 5,310 રૂપિયા અને પ્રમાણપત્ર ફીના 3,73,990 રૂપિયા સમાવિષ્ટ છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી નોંધણી પ્રક્રિયા સતત ચાલુ રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ