આંબાવાડીમાં વર્ધમાન પેરેડાઇઝની સાઇટ બંધ,રજાચિઠ્ઠી સ્થગિત
- બાંધકામ સમયે ચોથા માળેથી પટકાતા 2 શ્રમિકના મોત થયા હતા અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં વર્ધમાન પેરેડાઇઝ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા મજૂરો નીચે પટકાતાં બે મજૂરોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. આંબાવાડીમાં કલ્યાણ જ્વેલ
આંબાવાડીમાં વર્ધમાન પેરેડાઇઝની સાઇટ બંધ,રજાચિઠ્ઠી સ્થગિત


- બાંધકામ સમયે ચોથા માળેથી પટકાતા 2 શ્રમિકના મોત થયા હતા

અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં વર્ધમાન પેરેડાઇઝ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા મજૂરો નીચે પટકાતાં બે મજૂરોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.

આંબાવાડીમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે આવેલી વર્ધમાન ડેવલોપર્સની નવી બનતી વર્ધમાન પેરેડાઇઝ નામની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરોના મૃત્યુની ગંભીર દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે વર્ધમાન ડેવલોપર્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી બાંધકામ બંધ કરાવી દીધું છે.સાથે જ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલોપરને નોટિસ આપી છે. વર્ધમાન ડેવલપર્સે ગંભીર બેદરકારી દાખવતા કાર્યવાહી કરાઈ છે.

આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળ વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઇઝ નામની 3-4 BHKની રહેણાંક બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. બાંધકામની આ સ્કીમમાં સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે મજૂરો પ્લાસ્ટર કરવાનું કામ કરી રહ્યા હતા.

મજૂરો કામ કરતા હતા ત્યારે ઉપરથી 3 મજૂરો નીચે પડ્યા

ચોથા માળે પાલક ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી ત્રણ જેટલા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે એક મજૂરને ગંભીર રીતે ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ મામલે પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોને સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા આવી કોઈ સેફ્ટી સાથે કામ કરાવાતું નહોતું.

બાંધકામ કરનાર-કરાવનાર દ્વારા ગંભીર બેદરકારી દાખવી હતી જેથી બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવાઈ હતી. બાંધકામને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યું છે. બાંધકામ સાઈટ પરના એન્જિનિયર, સ્ટ્રકચરલ એન્જિનિયર અને ડેવલપર તમામને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande