
અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) નવા વર્ષની શરૂઆત થતાંની સાથે જ રાજ્યમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે પણ હવામાન વિભાગે રાજ્યના આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું જોર વધશે. વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં ઠંડી વધુ અનુભવાશે.
ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગઈકાલના વરસાદી માહોલ બાદ હવે ફરી એકવાર ઠંડીનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ