શોખથી શરુ થયેલી ગૌ સેવાએ આજે સાંતેજના મહેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર જિલ્લાના “શ્રેષ્ઠ પશુપાલક”નું સન્માન અપાવ્યું
ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું સાંતેજ ગામ. અહીંના ખેતરોમાં લહેરાતા ચારાની વચ્ચે એક એવો તબેલો છે, જે આજે પશુપાલન ક્ષેત્રે એક ''મોડેલ તબેલો'' બની ગયો છે. આ સફળતા પાછળ રહેલી છે, મહેન્દ્રભાઈ પટેલની ૧૨ વર્ષની અવિરત
મહેન્દ્રભાઈ


મહેન્દ્રભાઈ


ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું સાંતેજ ગામ. અહીંના ખેતરોમાં લહેરાતા ચારાની વચ્ચે એક એવો તબેલો છે, જે આજે પશુપાલન ક્ષેત્રે એક 'મોડેલ તબેલો' બની ગયો છે. આ સફળતા પાછળ રહેલી છે, મહેન્દ્રભાઈ પટેલની ૧૨ વર્ષની અવિરત મહેનત, પશુઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અને કંઈક નવું કરવાની ખેવના.

વાત છે વર્ષ ૨૦૧૨ની, જ્યારે મહેન્દ્રભાઈ પટેલે માત્ર પોતાના પરિવારને શુદ્ધ દૂધ મળે અને તેમનો પશુપાલનનો શોખ પૂરો થાય તે હેતુથી માત્ર ૨ ગાય પાળી હતી. એ સમયે કોઈએ વિચાર્યું ન હતું કે, ગાયો પ્રત્યેનો તેમનો આ લગાવ એક દિવસ લાખોનું ટર્નઓવર કરતો વ્યવસાય બની જશે. સમયાંતરે મહેન્દ્રભાઈએ ગાયોની સંખ્યા વધારી અને આજે તેમના તબેલામાં ૫ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાંઢ સહિત ૭૦ થી ૮૦ ગાયોનો વિશાળ પiરિવાર છે, જેમાં મોટાભાગની ગુજરાતની દેશી ઓલાદ 'ગીર ગાય' છે.

મહેન્દ્રભાઈએ પશુપાલનને માત્ર ધંધો નહીં, પણ પશુઓને પોતાનો 'પરિવાર' ગણીને તબેલામાં અનેકવિધ નવીન પહેલ કરી છે. તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાયોને તકલીફ ન પડે તે માટે તબેલામાં પંખા અને કૂલરની વ્યવસ્થા કરી છે. તેઓ માને છે કે, જો પશુ સુખી હશે, તો જ તે સુખ આપશે. આ ઉપરાંત તબેલામાં માખી કે જીવજંતુનો ત્રાસ ન થાય તે માટે મહેન્દ્રભાઈએ કુદરતી સિક્યુરિટી ગાર્ડ તરીકે ૧૫-૨૦ મરઘા પણ પાળ્યા છે. આ મરઘા તબેલામાં અને તેની આસપાસમાં રહેલા કીટકોને ખાઈ જાય છે, પરિણામે દવા વગર જ તબેલો જીવાતમુક્ત રહે છે.

મહેન્દ્રભાઈ ગાયોને માત્ર ઘાસ જ નહીં, પણ રચકો, ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું મિશ્રણ કરીને એક 'બેલેન્સ્ડ ડાયેટ' આપે છે. એમાં પણ, ગાયોનો તમામ ચારો પાછો પોતાના જ ખેતરમાં કેમિકલ વગર પ્રાકૃતિક રીતે ઉગાડે છે, જેથી ગાયોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ગાયના છાણને પણ તેઓ વેડફવા નથી દેતા. છાણમાંથી વર્મી કમ્પોસ્ટ (અળસિયા ખાતર) બનાવીને મહેન્દ્રભાઈ તેનું અન્ય ખેડૂતોને વેચાણ કરે છે. આમ, દૂધથી લઈને છાણ સુધી સંપૂર્ણ તબેલો તેમની આવકનું માધ્યમ બન્યો છે.

મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. જો આપણે પશુઓના સ્વાસ્થ્ય અને આહારનું ધ્યાન રાખીએ, તો પશુપાલન એ ખેતી સાથે પૂરક આવકનો શ્રેષ્ઠ સ્ત્રોત બની શકે છે.

મહેન્દ્રભાઈ પાસે હાલની સ્થિતિએ ૨૦થી વધુ દૂધણી ગાયો છે, જે રોજનું સરેરાશ ૧૨૦ લીટર જેટલું અમૃત જેવું દૂધ આપે છે. દૂધ અને તેમાંથી બનતા શુદ્ધ ઘીની સુવાસ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. ગાયના દૂધ, ઘી અને ખાતરના વેચાણથી તેઓ મહિને લગભગ રૂપિયા ૨.૫ થી ૩ લાખની કમાણી તો કરે જ છે, સાથે-સાથે તબેલામાં કામ કરતા અન્ય બે પરિવારોને પણ રોજગારી આપીને તેમનો ચૂલો પણ મહેન્દ્રભાઈએ સળગતો રાખ્યો છે.

મહેન્દ્રભાઈએ હવે માત્ર દૂધ ઉત્પાદન જ નહીં, પણ ગીર ઓલાદના સાંઢ દ્વારા પશુ સંવર્ધનની દિશામાં પણ મોટું કદમ ઉઠાવ્યું છે. તેઓ હવે ગીર ગાય અને ગીર સાંઢથી પોતાના તબેલામાં ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદકતા વધારવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. તેમની આ નિષ્ઠાને બિરદાવતા ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા મહેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે આવતીકાલે પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે મહેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માનિત કરવામાં આવશે. જે માત્ર મહેન્દ્રભાઈનું નહીં, પણ પશુ અને માનવી વચ્ચેના અતૂટ વિશ્વાસનું સન્માન હશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande