ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એન્જિનિયરિંગની નિષ્ફળતા
અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) દાતરડી નજીક નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો, એક બાજુનો માર્ગ બંધ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક આવેલા ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એકવાર નબળી ગુણવત્તાના કામ અને એન્જિનિયરિંગની ન
ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એન્જિનિયરિંગની નિષ્ફળતા


અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) દાતરડી નજીક નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો, એક બાજુનો માર્ગ બંધ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક આવેલા ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એકવાર નબળી ગુણવત્તાના કામ અને એન્જિનિયરિંગની નિષ્ફળતાના પુરાવા સામે આવ્યા છે. લાખોના ખર્ચે બનાવાયેલા નવનિર્મિત બ્રિજમાં માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત મસમોટી તિરાડો પડતાં હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ બ્રિજ પર પડેલી તિરાડો એટલી ગંભીર છે કે કંક્રીટ તૂટીને અંદરના લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય વાહનચાલકો માટે ભયજનક બન્યું છે. સંભવિત અકસ્માત ટાળવા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બ્રિજનો એક બાજુનો ભાગ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે હાઇવે પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય પહેલા જ આ બ્રિજનું નિર્માણ અને રીપેરિંગ કરવામાં આવ્યું હતું, છતાં ફરીથી આવી સ્થિતિ સર્જાવું ચિંતાજનક છે. ભારે વાહનોની અવરજવર, મજબૂત મટિરિયલનો અભાવ કે બાંધકામમાં થયેલી બેદરકારી—આ તમામ મુદ્દાઓ અંગે તપાસની માંગ ઉઠી છે.

આ બ્રિજ National Highways Authority of Indiaના અધિકારક્ષેત્રમાં આવે છે. હવે લોકોમાં માંગ ઉઠી છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ બ્રિજની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરીને કાયમી અને ગુણવત્તાયુક્ત ઉકેલ લાવવામાં આવે, જેથી ભાવનગર–સોમનાથ જેવા મહત્વના માર્ગ પર મુસાફરી ફરી સુરક્ષિત બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande