
મહેસાણા,06 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત આરટીઓ ટીમ મહેસાણા દ્વારા શહેરની શ્રી વી. આર. કર્વે પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી જેવા ગંભીર વિષય અંગે સમયસર જાગૃત કરવાનો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આરટીઓ મહેસાણાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, માર્ગ પાર કરતી વખતે લેવાયેલી સાવચેતી, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ ઝડપ નિયંત્રણ જેવા મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોના કારણો અને તેની ગંભીર અસરો અંગે ઉદાહરણો સાથે સમજ આપવામાં આવતા વિદ્યાર્થીઓએ વિષયને ગંભીરતાથી સમજ્યો હતો.
આ અવેરનેસ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું. શાળાના શિક્ષકોએ પણ આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના જીવન માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સુરક્ષિત અને જવાબદાર નાગરિક બનવાની ભાવના વિકસે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR