
સુરત, 06 જાન્યુઆરી (હિ.સ.): વરાછા ઝોનમાં સમાવિષ્ટ પુણા વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ બનાવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. પુણા અને આસપાસનાં વિસ્તારોમાં લગ્ન પ્રસંગ સહિત સામાજીક કાર્યક્રમ દરમિયાન કોમ્યુનિટી હોલનાં અભાવે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા પુણા ખાતે અંદાજે 7.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને અત્યાધુનિક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.
વરાછા ઝોન -એમાં અલગ - અલગ વિસ્તારોમાં હાલમાં માત્ર ચાર કોમ્યુનિટી હોલ આવેલ છે. જેને પગલે હવે વરાછા ઝોન એ દ્વારા પુણા વિસ્તારમાં પણ અત્યાધુનિક કોમ્યુનિટી હોલ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 11.65 કરોડ રૂપિયાનાં અંદાજ સામે ત્રણ ઈજારદારો પૈકી ઓમ કન્સ્ટ્રકશન દ્વારા 22.51 ટકા નીચું 7.65 કરોડ રૂપિયાનાં ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાની તૈયારી દાખવવામાં આવી છે. જેને પગલે વરાછા ઝોન - એ દ્વારા આ સંદર્ભેની દરખાસ્ત વહીવટી તંત્ર સમક્ષ રજુ કરવામાં આવી છે. જેને પગલે આગામી દિવસોમાં પુણા અને આસપાસનાં વિસ્તારોનાં નાગરિકોને પણ પોતાનાં વિસ્તારમાં જ કોમ્યુનિટી હોલની સુવિધા ઉપલબ્ધ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે