પારડી હાઈવે પર ચાલતા કન્ટેનરમાં આગ, ડ્રાઈવરની સમયસર કાર્યવાહીથી જાનહાનિ ટળી
વલસાડ, 06 જાન્યુઆરી (હિ.સ.) પારડી તાલુકાના ટુકવાડા ત્રણ રસ્તા નજીક આજે સવારે આશરે 9:30 કલાકે એક ગંભીર ઘટના બની હતી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા કન્ટેનરમાં અચાનક આગ લાગતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. કન્ટેનરમાં સોસના બાટલા, કરિયાણાનો સામાન તે
Valsad


વલસાડ, 06 જાન્યુઆરી (હિ.સ.) પારડી તાલુકાના ટુકવાડા ત્રણ રસ્તા નજીક આજે સવારે આશરે 9:30 કલાકે એક ગંભીર ઘટના બની હતી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા કન્ટેનરમાં અચાનક આગ લાગતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. કન્ટેનરમાં સોસના બાટલા, કરિયાણાનો સામાન તેમજ બોક્સના ખોખા ભરેલા હોવાનું જાણવા મળ્યું છે. કન્ટેનરનો નોંધાયેલ નંબર MH 48 CB 0080 છે.

પ્રાથમિક વિગતો મુજબ, કન્ટેનરના ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં થયેલી શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું માનવામાં આવે છે. આગ દેખાતાં જ ડ્રાઈવરે તત્કાળ વાહન સાઈડમાં ઊભું રાખી દીધું અને સુરક્ષિત રીતે બહાર આવી ગયો, જેથી મોટી દુર્ઘટના ટળી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઘટનાની માહિતી મળતાની સાથે જ પારડી નગરપાલિકા ફાયર વિભાગ, વાપી ફાયર બ્રિગેડ તથા નેશનલ હાઈવેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ કઠિન મહેનત બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી.

આગની ઘટનાને કારણે નેશનલ હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આગ પર કાબૂ આવ્યા બાદ અને કન્ટેનર હટાવવાની કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિક ફરી ધીમે ધીમે સામાન્ય બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande