
વલસાડ, 06 જાન્યુઆરી (હિ.સ.) વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના લવાછા વિસ્તારમાં ડુંગરા પોલીસે ગેરકાયદેસર ગાંજાના વેપાર પર કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહીલના નેતૃત્વમાં પોલીસ ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે લવાછા વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન પાસ-પરમીટ વિના ગાંજો રાખી તેનું વેચાણ કરતા ચાર શખ્સો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકીશોરને ઝડપી લેવામાં આવ્યા. પોલીસ દ્વારા રૂ. 1.04 લાખની કિંમતનો 2.095 કિલોગ્રામ ગાંજો, રૂ. 15 હજારના ત્રણ મોબાઇલ ફોન, રૂ. 500નો વજન કાંટો, પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ અને સ્ટેપ્લર સહિત કુલ રૂ. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓ સામે NDPS એક્ટ-1985ની કલમ 8(c), 20(b)(ii)(b), 29 તથા જ્યુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન) એક્ટ-2015ની કલમ 78 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓમાં આદિત્યકુમાર રાજુપ્રસાદ ચન્દ્રવંશી , અંકિત ગજરાજદેવ રામદુલારે પાલ , અવજીતકુમાર રણજીત પ્યારે યાદવ અને એક બાળકીશોરનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે