
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.) પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતી કુલ 19 દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આવક વધારવા, પારદર્શિતા લાવવા અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવા પર ભાર મૂકાયો હતો.
વહીવટી પારદર્શિતા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે સરકારની પૂર્વ મંજૂરી વગર સેવા આપતા તમામ નિવૃત્ત કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવામાં આવશે. ભવિષ્યમાં કોઈ પણ નિવૃત્ત કર્મચારીને માનદ સેવા પર રાખવા માટે સરકારની મંજૂરી ફરજિયાત રહેશે.
પાલિકાની આવક વધારવા માટે બી.યુ. પરવાનગી વગરના અને આકારણી વગરના બાંધકામોની આકારણી કરવા અંગે વિગતવાર અભ્યાસ કરી આગામી બેઠકમાં દરખાસ્ત રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
વિકાસ કાર્યો હેઠળ અમૃત 2.0 યોજનાના ‘વુમન ફોર વોટર, વોટર ફોર વુમન’ અભિયાન અંતર્ગત જી.ઈ.બી થી હોટેલ રેવેટા સુધી 200 વૃક્ષો વાવવા માટે રૂ. 3.79 લાખના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. સાથે PM સ્વનિધિ 2.0 યોજનાના પ્રચાર માટે હોર્ડિંગ્સ અને 1,946 ફેરિયાઓની લારીઓ પિંક કલરમાં રંગવાની પણ સહમતી અપાઈ.
વહીવટી સુવિધા માટે વેરા અને ટાઉન પ્લાનિંગ શાખા માટે નવા કોમ્પ્યુટર સેટ માટે રૂ. 85,000 ખર્ચ મંજૂર કરાયો. ઉપરાંત રોડ રિપેરિંગ, ટોયલેટ રિપેરિંગ, આઉટસોર્સિંગ સ્ટાફ, તેમજ પાલિકાની મિલકતોના રક્ષણ સંબંધિત દરખાસ્તો બહુમતીથી પસાર કરવામાં આવી. બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશ પટેલ, ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિત સભ્યો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ