
સુરત, 06 જાન્યુઆરી (હિ.સ.): સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તા.10મીએ પતંગ મહોત્સવ યોજાશે, જેના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. તેમણે પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.10મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુના અડાજણ રોડ ખાતે સવારે 8:00 વાગે યોજાનાર પતંગ મહોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દેશ વિદેશના 94 જેટલા પતંગબાજો ભાગ લેશે. જેમાં બહેરીન, કોલંબીયા, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ જેવા દેશોના 45 તથા કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, કેરલના 20 તથા ગુજરાતના 29 મળી કુલ 94 જેટલા પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની શહેરીજનોને સોનેરી તક મળી રહેશે. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજોની સાથે સુરત શહેરના રમતવીરો, વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ બેઠકમાં નાયબ કલેકટર પ્રોટોકોલ, સિટી પ્રાંત(ઉત્તર) સુરત નાયબ કલેક્ટર નેહા પટેલ, મનપા અધિકારીઓ, પ્રવાસન અધિકારી, માર્ગ અને મકાન, માહિતી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે