
જુનાગઢ 6 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવિસર્ટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અલગ અલગ વિષયોના પીએચ.ડી. અભ્યાસક્રમો ચાલે છે. જેમા ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણનો લાભ લેવા બહોળી સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા હોય છે.
ગુજરાતના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવી અને પ્રોત્સાહન પુરુ પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા Scheme of Developing High Quality Research (SHODH) અંતર્ગત દર વર્ષે પીએચ.ડી.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના અમલમાં મુકી છે, આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૂા. ૧૫૦૦૦/-નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને આનુસંગિક ખર્ચ માટે વાર્ષિક રૂા. ૨૦,૦૦૦/- અલગથી આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજ્જતા વધશે, જેનાથી ગુજરાતની જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃધ્ધિ થશે, તેમજ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાય તૈયાર કરવા ઉપરાંત અન્ય ઘણા લાભો થશે.
કુલપતિ ડો. વી.પી. ચોવટીયા જ્યારે સંશોધન નિયામક તરીકે કાર્યરત હતા ત્યારથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને આ બાબતથી સતત પ્રોત્સાહિત કરી અને SHODH ફેલોશીપ અંગેનુ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું, જેનાં પરીણામે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં આવેલ ચારેય કૃષિ યુનિવર્સિટીઓમા સૌથી વધુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓના કુલ ૪૦ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને SHODH સ્કોલરશીપ મળી ચૂકી છે. આ અગાઉ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ઉમદા કામગીરીના કારણે ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીઓને અપાતા રેટીંગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ છેલ્લા ચાર વર્ષથી સતત ફાઇવ સ્ટાર રેટીંગનું સ્થાન પામેલ છે.
આ સિધ્ધિ મેળવવા બદલ કુલપતિ ડો. વી.પી. ચોવટીયા દ્વારા આ યોજનામાં પસંદ થયેલ સર્વે વિદ્યાર્થીઓ, કુલસચિવ, ડો. વાય. એચ. ઘેલાણી, યોજનાના યુનિવર્સિટી નોડલ અધિકારી, ડો. આર. એમ. સોલંકી તથા અન્ય યુનિવર્સિટી અધિકારીઓ, વિદ્યાર્થીઓના સર્વે મેજર એડવાઇઝરઓ, તમામ અધિકારીઓ-કર્મચારીઓ તથા આ યોજના સાથે સંકળાયેલ તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ