સાવરકુંડલાના જેસર રોડ પર એસટી બસની અડફેટે આધેડનું કરુણ મોત
અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) ‘સલામત સવારી, એસટી અમારી’ના સૂત્રો ગુજરાત રાજ્યની એસટી બસો પર લખાયેલા જોવા મળે છે, પરંતુ હકીકતમાં મુસાફરી કેટલી સુરક્ષિત છે તે અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. આવો જ એક કરુણ અકસ્માત અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે. સાવરક
સાવરકુંડલાના જેસર રોડ પર એસટી બસની અડફેટે આધેડનું કરુણ મોત


અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) ‘સલામત સવારી, એસટી અમારી’ના સૂત્રો ગુજરાત રાજ્યની એસટી બસો પર લખાયેલા જોવા મળે છે, પરંતુ હકીકતમાં મુસાફરી કેટલી સુરક્ષિત છે તે અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. આવો જ એક કરુણ અકસ્માત અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે. સાવરકુંડલાના જેસર રોડ બાયપાસ પર એસટી બસની અડફેટે એક આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ 56 વર્ષીય કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા સાવરકુંડલાના જેસર રોડ બાયપાસ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન મહુવા–જામનગર રૂટ પર દોડતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસે બાઈકને અડફેટે લઈ લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કનુભાઈને ભારે ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે જેસર રોડ બાયપાસ પર થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

આ ઘટનાએ ફરી એકવાર એસટી બસોની ઝડપ, માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande