
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)સાંતલપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામના મુખ્ય જાહેર માર્ગો પર ગટરનું ગંદું પાણી વહેતું હોવાથી ખાસ કરીને બસ સ્ટેન્ડથી લઈને મુખ્ય રસ્તાઓ સુધી અવરજવર મુશ્કેલ બની છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગટરના પાણીમાંથી ફેલાતી દુર્ગંધને કારણે આસપાસના રહેવાસીઓ પરેશાન થયા છે. આ પરિસ્થિતિથી આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે, જેમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સ્વાસ્થ્ય તેમજ આવનજાવનમાં વિશેષ તકલીફો ભોગવવી પડી રહી છે.
આ સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર અને તલાટીને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ગામની સ્વચ્છતા અને જનઆરોગ્ય માટે તાત્કાલિક પગલાં લેવા લોક માંગ ઉઠી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ