
જામનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગર સેશન્સ કોર્ટે કનસુમરા ગ્રામ સાર્વજનિક ટ્રસ્ટના ઉચાપત કેસમાં ધરપકડ કરાયેલા બે ટ્રસ્ટીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. વલીમામદ દોસમામદ ખીરા અને અકરમ સલીમભાઈ ખીરાને પચાસ-પચાસ હજાર રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા છે.
આ કેસ જામનગર જિલ્લામાં ચકચાર જગાવનાર કરોડની નાણાકીય ઉચાપતનો છે. કનસુમરા ગ્રામ પંચાયતની હદમાં આવેલી 'અવેડીયા' તરીકે ઓળખાતી જમીનનું GIDC દ્વારા સંપાદન થતાં ટ્રસ્ટના ખાતામાં આશરે ₹20 થી ₹22 કરોડનું વળતર જમા થયું હતું.
આ રકમનો ઉપયોગ કનસુમરા ગામમાં પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાયો અને અન્ય પશુ-પક્ષીઓના સંવર્ધન તથા ઘાસચારા જેવા ગામ સમસ્તના ઉત્કર્ષ માટે કરવાનો હતો. જોકે, ટ્રસ્ટીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ટ્રસ્ટની જોગવાઈઓનો ગેરલાભ લીધો હતો.
ટ્રસ્ટીઓએ ઠરાવો કરીને આશરે ₹16 થી ₹17 કરોડ જેટલી રકમ દાનના ચેક દ્વારા અન્ય ટ્રસ્ટો અને NGOમાં ટ્રાન્સફર કરી હતી. આ ટ્રસ્ટોને કમિશન આપીને બાકીની રકમ રોકડમાં પરત મેળવી, પોતાના અંગત આર્થિક ફાયદા માટે વાપરી નાખી હતી.
આ બાબતે કનસુમરાના ગ્રામજન કાસમ દોષમામદ ખીરાએ તમામ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ ટ્રસ્ટીઓ તેમજ નાણાકીય ઉચાપતના વ્યવહારમાં મદદરૂપ થનાર આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા.
ધરપકડ કરાયેલા ટ્રસ્ટીઓ અકરમ સલીમભાઈ ખીરા અને વલીમામદ ઉર્ફે વલીયો દોસમામદ ખીરા (બંને કનસુમરા નિવાસી) એ જિલ્લા જેલમાંથી જાણીતા ધારાશાસ્ત્રી દિનેશભાઈ વિરાણી મારફતે જામનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તપાસ કરનાર PI પી.પી. ઝા, સિટી-બી ડિવિઝન દ્વારા જામીન અરજીનો વિરોધ કરતું વિસ્તૃત સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
અરજદાર તરફે હાજર થયેલા વકીલ દિનેશભાઈ વિરાણીએ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જામીન અરજીને લગતા વિવિધ ચુકાદાઓ રજૂ કરીને દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના બંધારણ મુજબ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો છે. પોલીસ તપાસમાં અરજદારોને કોઈ નાણાં મળ્યા હોવાનું કે તેમની પાસેથી કોઈ ડિસ્કવરી કે રિકવરી થઈ હોવાનું ખુલ્યું નથી અને પોલીસ તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.
'કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનીક ટ્રસ્ટ'ના ટ્રસ્ટીઓ એવા અરજદાર આરોપીઓ તરફે પૂર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી, જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ.સાપરીયા તેમજ ટ્રેની દર્શનપુરી એ. ગોસ્વામી રોકાયેલા હતા. ત્યારે નામદાર સુપ્રિમકોર્ટ ધ્વારા જામીનના નિર્ણયમાં પ્રસ્થાપિત કરેલ ચુકાદા મુજબ કેસ ચાલતા સુધી આરોપી નિર્દોષ છે.ત્યારે પ્રિ-ટ્રયલ પનિશમેન્ટ સ્વરૂપે લાંબો સમય જેલમાં રાખીને બંધારણ ધ્વારા પ્રાપ્ત થયેલ વ્યકિતગત સ્વતંત્રતાનાં અધિકારો છીનવી શકાય નહી. આ તમામ દલીલો ધ્યાને લઈ ઉપરોકત બન્ને આરોપીઓને નામદાર કોર્ટએ રૂપિયા પચાસ-પચાસ હજારના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.
'કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનીક ટ્રસ્ટ'ના ટ્રસ્ટીઓ એવા અરજદાર આરોપીઓ તરફે પૂર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી, જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ.સાપરીયા તેમજ ટ્રેની દર્શનપુરી એ. ગોસ્વામી રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt