
નવસારી, 07 જાન્યુઆરી (હિ.સ.): હાલના ઝડપી યુગમાં શિક્ષણક્ષેત્રે વધતી હરિફાઈ અને અભ્યાસના અતિશય દબાણના કારણે બાળકોમાં માનસિક તણાવ તથા ચિંતા સતત વધી રહી છે. માતા-પિતા દ્વારા ગુજરાતી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમમાં તથા સામાન્ય પ્રવાહને બદલે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે બાળકો પર દબાણ કરવામાં આવતું હોય છે. જેના કારણે અનેક બાળકો માનસિક રીતે અસ્થિર બની જાય છે. આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો તાજેતરમાં સખી વન સ્ટોપ સેન્ટર-સુરત ખાતે સામે આવ્યો હતો.
નવસારી જિલ્લાના એક પરિવારની ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરીક્ષામાં નાપાસ થવાની ડરથી સતત તણાવમાં રહેતી હતી. રાત્રિ દરમિયાન વારંવાર તેને નાપાસ થવાના સપનાઓ આવતાં હતા. સુરતના બ્રહ્માકુમારી આશ્રમમાં રહેવાના વિષે સતત વિચારો આવતાં હતા. આ ભય અને આત્મવિશ્વાસના અભાવે દીકરી કોઈ વિચારવિમર્શ કર્યા વિના સપનામાં દેખાયેલ બ્રહ્માકુમારી આશ્રમમાં રહેવાના ઉદ્દેશથી નવસારીથી સુરત આવી હતી.
સુરત આવ્યા બાદ ‘શું કરવું અને શું ન કરવું’ તેની સમજ ન હોવાથી દીકરીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. ૧૮૧ની ટીમ દ્વારા દીકરીને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર-સુરત ખાતે લાવી દીકરીને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો. સાથે સહાનુભૂતિ અને લાગણીસભર વાતાવરણ પૂરૂં પાડવામાં આવ્યું તથા સેન્ટરના સ્ટાફ દ્વારા સહજ રીતે કાઉન્સેલિંગ કરી દીકરીને સમજાવવામાં આવ્યું કે, કોઈપણ કાર્યમાં સફળતા માટે આત્મવિશ્વાસ અત્યંત જરૂરી છે. પરીક્ષામાં સફળ થવા માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરવી જરૂરી છે અને સકારાત્મક વિચારધારા રાખવાથી સફળતા અવશ્ય મળે છે. નકારાત્મક વિચારો મનમાં ન લાવવાની સમજ આપવામાં આવી. દીકરીના માતા-પિતાનો સંપર્ક પણ કરવામાં આવ્યો.
સેન્ટરના સ્ટાફ દ્વારા માતા-પિતાને સમજ અપાઈ કે, બાળકો પર અભ્યાસ બાબતે કોઈપણ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ. તેમના ભણતર સંબંધિત નિર્ણય લેવા માટે તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. દરેક બાળકની બુદ્ધિક્ષમતા અલગ હોય છે, તથા બાળકોને એકબીજા સાથે સરખાવવા યોગ્ય નથી. દરેક બાળક કોઈને કોઈ પ્રવૃત્તિમાં વિશેષ ક્ષમતા ધરાવતું હોય છે.
સુરત સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફની લાગણીસભર સમજણ અને પ્રેમસભર માર્ગદર્શનના પરિણામે ઘરેથી નીકળી ગયેલી દીકરીનું માતા-પિતા સાથે સુખદ મિલન શક્ય બન્યું. આ રીતે સેન્ટરની ટીમે એક પરિવારને ફરી એકત્રિત કરવાની મહત્વપૂર્ણ સફળતા મેળવી. હાલમા જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે, ત્યારે આવા કોઈ પણ વિદ્યાર્થીઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર મદદ માટે હંમેશા તત્પર રહેશે.
આમ, મહિલા અને બાળ અધિકારીશ્રી આર. એન. ગામીત અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સલામત રીતે દીકરીનું પરિવાર સાથે સુખદ મિલન કરવાનાર સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફની સરાહનીય કામગીરી બદલ દીકરીના માતા-પિતાએ સેન્ટરનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે