જામનગર જિલ્લામાં એસ.આઇ.આર અન્વયે યોજાયેલ બે દિવસીય ઝુંબેશમાં 9725થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ
જામનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર જામનગર જિલ્લામાં ''મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬'' અંતર્ગત બે દિવસ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં નાગરિકોએ ઉત્સા
મતદાર યાદી


જામનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર જામનગર જિલ્લામાં 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬' અંતર્ગત બે દિવસ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના જરૂરી ફોર્મ્સ સબમિટ કર્યા હતા.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ બે દિવસની ખાસ ઝુંબેશ દરમિયાન કુલ ૯,૭૨૫ ફોર્મ્સ સ્વીકારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નવા મતદારોની નોંધણી અંગેના ફોર્મ મળ્યા છે. ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો અને અત્યાર સુધી નામ નોંધાવવાથી વંચિત રહી ગયેલા નાગરિકો દ્વારા ફોર્મ નં. ૬ અંતર્ગત કુલ ૫,૩૫૨ અરજીઓ કરવામાં આવી છે.

આ ઉપરાંત, મતદારયાદીમાં જરૂરી સુધારા-વધારા અને સરનામું બદલવા માટેના ફોર્મ નં. ૮ અંતર્ગત ૩૮૯૪ અરજીઓ અને નામ કમી કરવા માટેના ફોર્મ નં. ૭ અંતર્ગત ૪૭૯ અરજીઓ ચૂંટણી તંત્રને મળી છે.

જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારોમાં થયેલી કામગીરી પર નજર કરીએ તો, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ૩,૪૮૩ અરજીઓ સાથે નોંધપાત્ર કામગીરી થઈ છે. ત્યારબાદ જામનગર ઉત્તરમાં ૧,૯૧૨, જામજોધપુરમાં ૧,૪૪૪, કાલાવડમાં ૧,૫૦૮ અને જામનગર દક્ષિણમાં ૧,૩૭૮ અરજીઓ મળી છે. નવા નામની નોંધણી ફોર્મ-૬માં પણ જામનગર ગ્રામ્ય ૧,૮૮૬ ફોર્મ સાથે જિલ્લામાં અગ્રેસર રહ્યું છે.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથકો પર બી.એલ.ઓ. દ્વારા હાજર રહીને કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ પાત્રતા ધરાવતો મતદાર નોંધણીથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ બાકી રહી ગયેલા નાગરિકોને ઓનલાઈન પોર્ટલ અથવા એપના માધ્યમથી તેમજ બી.એલ.ઓ.નો સંપર્ક કરી વહેલી તકે નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande