
વલસાડ, 07 જાન્યુઆરી (હિ.સ.): વલસાડની હદમાં ગુંદલાવ નજીક નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. સુરતથી મુંબઈ તરફ જઈ રહેલું કન્ટેનર અચાનક બેકાબૂ બની, હાઇવેનો ડિવાઇડર કૂદાવી સામેની લેનમાં પ્રવેશી ગયું અને દમણના NRI પરિવારની કાર સાથે જોરદાર અથડાયું.
આ અકસ્માતમાં કારમાં સવાર માતા શીતલબેન રાણાને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પતિ હેમાંગભાઇ રાણાને બ્રેઇન હેમરેજ અને 5 વર્ષની દીકરીને ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હેમાંગભાઇ તેમના પરિવાર સાથે ભાઇના લગ્ન પ્રસંગે હાજરી આપવા, દમણથી સુરત જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી હાથ ધરી હતી. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતને કારણે લગ્ન માટે યુકેથી આવેલા પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે