

પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકાની જમીન પર મંજૂરી વગર ઊભા કરાયેલા હંગામી મંડપોના નાણાં વસૂલવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયાએ આ મુદ્દે ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવ્યો છે.
પત્રમાં જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરીના વેપાર માટે પાલિકાની પૂર્વ મંજૂરી વગર અને કોઈ ફી ચૂકવ્યા વિના હંગામી મંડપો ઉભા કરાયા છે. આ ગેરકાયદેસર મંડપોના કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની છે.
રજુઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવા બિનપરવાનગી મંડપોથી નગરપાલિકાની મહેસૂલી આવકને નુકસાન થઈ રહ્યું છે. નિયમ મુજબની ફી વસૂલવા તાત્કાલિક કાર્યવાહી કરાય તેમજ કોઈ કર્મચારી કે અધિકારી ગેરકાયદેસર નાણાં વસૂલ ન કરે તેવી તકેદારી રાખવા અને કરાયેલ કાર્યવાહી અંગે લેખિત માહિતી આપવા માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ