

પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તા અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર રેલવે સ્ટેશન પરિસરમાં નવનિર્મિત કર્મચારી આવાસ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રેલવે કર્મચારીઓને આવાસોની ચાવીઓ સુપરત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે તેમજ અમદાવાદ મંડળના ઉચ્ચ અધિકારીઓ અને યુનિયનના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવાસ સંકુલના નિર્માણથી રેલવે કર્મચારીઓને આધુનિક અને સુવિધાયુક્ત રહેઠાણ મળશે.
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનરલ મેનેજરનું સ્વાગત કરી સિદ્ધપુર સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા બાબતે વિસ્તૃત લેખિત રજૂઆત કરી હતી.
રજુઆતમાં પ્લેટફોર્મની ઊંચાઈ અને લંબાઈ વધારવા, નવા શેડ અને બેઠક વ્યવસ્થા, ચોમાસામાં RUBમાં ભરાતા પાણીના નિકાલ માટે હાઈ-કેપેસિટી ઓટોમેટેડ પમ્પિંગ સિસ્ટમ તથા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લિફ્ટ-એસ્કેલેટર વહેલી તકે કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત દિલ્હી, મુંબઈ અને હરિદ્વાર તરફ જતી 10થી વધુ સુપરફાસ્ટ ટ્રેનોને સિદ્ધપુર ખાતે 2 મિનિટનું સ્ટોપેજ આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
તેમ છતાં રેલવે પ્રશાસન અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનના અભાવે કેટલાક જાગૃત નાગરિકો અને મુસાફરોના પ્રશ્નો રજૂ કરવા આવેલા આગેવાનો જનરલ મેનેજરને મળી શક્યા નહોતા. જનરલ મેનેજર પ્લેટફોર્મ નંબર 2 પર ધારાસભ્ય સાથે મુલાકાત કરીને થોડા સમયના રોકાણ બાદ સિદ્ધપુર સ્ટેશનથી વિદાય લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ