
ગાંધીનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-૨૦૨૭”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-૨૦૨૭ માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક પ્રક્રિયા, હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સના સમયગાળા અને વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ બાદ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ગુજરાતમાં થયેલી વસ્તી ગણતરી-૨૦૨૭ની પૂર્વતૈયારીઓની સરાહના કરી હતી અને વસ્તી ગણતરીની કામગીરી સચોટ અને પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ