
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા શહેરની બહેરા-મુંગા શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કચરિયા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શિયાળાની ઋતુમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને સામાજિક જવાબદારીના ભાવ સાથે બાળકો સાથે જોડાણ રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ નીલમભાઈ પટેલે દાતા તરીકે બાળકોને કચરિયું પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના સભ્યોએ બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને તેમના કૌશલ્યની પ્રશંસા કરી હતી. સાથે સાથે ભવિષ્યમાં બાળકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રમુખ નીલમભાઈ પટેલ, મંત્રી ધીલનભાઈ, વકીલ ચિંતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, આશિષ પટેલ, યતીન ગાંધી, કોર્પોરેટર મનોજ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શિયાળા દરમિયાન બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરાયેલા આ સેવાકીય કાર્યથી બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો અને એસોસિએશનના હોદ્દેદારોએ આવા લોકઉપયોગી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ