
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ–સમી હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સમી ગામના કેટલાક મિત્રો મહેસાણાથી પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હારીજથી અંદાજે 5 કિલોમીટર દૂર કારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયો અને કારમાંથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાવા લાગી. આગ લાગતા જ ડ્રાઈવર સહિત તમામ મુસાફરોએ સતર્કતા દાખવી તુરંત કાર ઉભી રાખી બહાર નીકળી ગયા હતા. તેમની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી. જો કે, ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. હાઈવે પર બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ