
સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.) : સુરત શહેરમાં ગેરકાયદેસર ડીઝલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ હજીરા પોલીસ મથકની હદમાં આવેલા તાપી નદીના આલિયા બેટ વિસ્તારમાં મધરાતે ઓપરેશન કરી છેલ્લા પાંચ વર્ષથી ચાલતા રેકેટને ઝડપી પાડ્યું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે ₹10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ સહિત કુલ ₹27.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
SOGના હેડ કોન્સ્ટેબલને મળેલી વિશ્વસનીય બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદથી આલિયા બેટ પર અચાનક દરોડો પાડ્યો. તપાસ દરમિયાન ઝાડી-ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળ્યા, જેમાંથી આશરે 14,200 લિટર ડીઝલ મળી આવ્યું. ઉપરાંત નજીકમાં ડોક કરેલી ત્રણ એન્જિનવાળી હોડીઓમાંથી વધુ 10,400 લિટર ડીઝલ જપ્ત કરાયું.
પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ દરિયાઈ વિસ્તારમાં આવતી દેશી-વિદેશી સ્ટીમરોના ચાલકો સાથે સંપર્ક સાધી, માલિકોની જાણ વગર અથવા ધાકધમકી આપી ડીઝલ કાઢી લેતા. ચોરાયેલો જથ્થો હોડીઓ દ્વારા આલિયા બેટ પર સંગ્રહવામાં આવતો અને પછી રાત્રિના અંધકારનો લાભ લઈ વિવિધ કંપનીઓ કે ડેપોમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવતો હતો.
આ ટોળકીના સભ્યો પ્રભાવશાળી અને માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ ફરિયાદ આગળ આવતી નહોતી. જોકે, હવે હજીરા પોલીસ દ્વારા 15 શખસો સામે કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ગવીયરના રાજેશ મોહન પટેલ, તેજશ લાલજી પટેલ તેમજ ડુમસના જેમીશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય, ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7–8 અજાણ્યા શખસો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે