
જૂનાગઢ, 08 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ભૂતનાથ મંદિર, શાંતેશ્વર મહાદેવ મંદિરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો.
સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે જૂનાગઢ શહેરના શિવાલયો જેમાં ગિરનાર તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિરમાં સવારે અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. જયારે જોષીપરામાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મેયર ધર્મેશ પોશિયા,ધારાસભ્ય સંજય કોરડીયા,જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પુર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમા ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા મેયર,ધારાસભ્ય,જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઓ પણ ઓમકાર જાપમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી બન્યા હતા.
ઉપરાંત કોલેજ રોડ પર સ્થિત ભુતનાથ મહાદેવ અને દોલતપરામાં શાંતેશ્વર મહાદેવ મંદિરમાં પણ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સોમનાથ મંદિરની 1000 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાનુ પણ સ્મરણ કરવામાં આવ્યું હતું
આમ, આજથી શરૂ થઇને 11 જાન્યુઆરી સુધી એટલે કે 72 કલાક સુધી અખંડ ઓમકારના ગુંજન સાથે મહાદેવની વિશેષ આરાધના અને ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના યોજાશે.સાથે જ જૂનાગઢના તમામ શિવાલયોમાં પણ સાંજે સમૂહ આરતીઓનું આયોજન થનાર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરીના રોજ યોજાનાર સ્વાભિમાન પર્વ અન્વયે યોજાનાર શોર્ય યાત્રામાં જૂનાગઢ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ભાવિકો સહભાગી બનનાર છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 500 એકસ્ટ્રા બસ પણ જૂનાગઢ થી સોમનાથ દોડાવવામાં આવનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ