
અમરેલી,08 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ચાઈનીઝ દોરી (મંઝા) સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ જ અનુક્રમે લાઠી પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી રિયાઝ ચૌહાણ નામના શખ્સને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ચાઈનીઝ દોરી માનવ જીવન તેમજ પક્ષીઓ માટે અત્યંત જોખમી હોવાનું જાણીતા હોવા છતાં તેનો ગેરકાયદે ઉપયોગ અને વેચાણ હજુ પણ જોવા મળે છે. લાઠી પોલીસે પેટ્રોલિંગ તથા ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે ફરતા રિયાઝ ચૌહાણને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેના પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવતા તેને કબજે લેવામાં આવી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સામે સંબંધિત કાયદા મુજબ ગુનો નોંધ્યો છે. ચાઈનીઝ દોરીના કારણે અગાઉ અનેક અકસ્માતો અને પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
લાઠી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષા માટે આવી કાર્યવાહી આવનારા સમયમાં પણ સતત ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કે વેચાણ ન કરે અને આવી કોઈ માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરે.
લાઠી પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદે ધંધા પર અંકુશ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai