સુરતમાં શાકભાજી વેપારી પાસેથી 17.70 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત, બે આરોપી ફરાર
સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.) : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાકમાર્કેટમાંથી શાકભાજીના ધંધાની આડમાં MD ડ્રગ્સ વેચાતી હોવાની ગંભીર બાબત બહાર આવી છે. મળેલી ગુપ્ત માહિ
Arrest


સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.) : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાકમાર્કેટમાંથી શાકભાજીના ધંધાની આડમાં MD ડ્રગ્સ વેચાતી હોવાની ગંભીર બાબત બહાર આવી છે.

મળેલી ગુપ્ત માહિતીના આધારે રાંદેર પોલીસએ તાડવાડી શાકમાર્કેટ નજીક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન નઝીલ રસીદ સૈયદ (ઉ.વ. 30) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શાકભાજીનો વેપાર કરતો હોવા છતાં તેની પાસે તપાસ દરમિયાન નશાકારક પદાર્થો મળી આવતા સમગ્ર મામલો ચોંકાવનારો બની ગયો. પોલીસે આરોપી પાસેથી કુલ 17.70 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત આશરે રૂ. 53 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, રૂ. 3,880 રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. ભીડવાળા શાકમાર્કેટ જેવા સ્થળે ડ્રગ્સનું વેચાણ કરીને પોલીસથી બચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે ડ્રગ્સ સપ્લાય કરનાર તરીકે ઉઝેફ શેખ અને શોયેબ નામના બે શખ્સોની સંડોવણી છે. હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે નઝીલ સૈયદ અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે. શહેરના સામાન્ય વ્યવસાયોની આડમાં ચાલતા નશાના નેટવર્કને બહાર લાવતી આ કાર્યવાહીથી પોલીસને મહત્વની સફળતા મળી છે. હવે ડ્રગ્સનો સ્ત્રોત ક્યાં છે અને કોને તેનો પુરવઠો થવાનો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande