
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેર અને જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 પ્રકારની ઇમરજન્સીમાં કુલ 18,564 દર્દીઓને સમયસર જીવનરક્ષક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જિલ્લાના પાયલોટ અને ઇએમટી સ્ટાફે અનેક ગંભીર કેસોમાં સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી દર્દીઓના જીવ બચાવ્યા હતા.
આંકડાઓ મુજબ, જિલ્લામાં સૌથી વધુ 6,351 પ્રસૂતિ સંબંધિત કેસો હેન્ડલ થયા હતા, જેમાંથી 196 ગંભીર પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સની અંદર જ સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી હતી. સાથે જ ટ્રોમા સંબંધિત 5,072 કેસોમાં તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત પેટના દુખાવા - 1,554, શ્વાસની તકલીફ - 1,330, હૃદયરોગ - 973, તાવ - 496, ઝેર પીવાના - 350 સહિત અન્ય અનેક બીમારીઓના કેસોમાં પણ સેવા અપાઈ હતી. ડાયાબિટીસ, ફિટ, લકવો, માનસિક રોગ અને અન્ય અજાણ્યા મેડિકલ પ્રોબ્લેમ ધરાવતા કુલ 1,405 કેસોને સફળતાપૂર્વક સંભાળી 108 ટીમે વર્ષ દરમિયાન હજારો જીવ બચાવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ