
અમરેલી, 08 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લા પ્રાકૃતિક કૃષિ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના ખેત ઉત્પાદનોની પ્રોમોશનલ એક્ટિવિટી અંતર્ગત નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીથી તૈયાર થનારા ખેત પેદાશોની ગુણવત્તા, ઉપયોગિતા અને આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. વિદ્યાર્થીઓએ કચેરીમાં કાર્યરત સર્વે સ્ટાફને પ્રાકૃતિક ખેત પેદાશોનું વિતરણ કરી પ્રાકૃતિક ખેતી કેવી રીતે પર્યાવરણમૈત્રી, ખર્ચ ઘટાડનાર અને ખેડૂત માટે લાભદાયી છે તે અંગે વિગતવાર માહિતી આપી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા પણ યોજાઈ હતી.
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી તરફથી અધિકારી ભાવેશભાઈ પીપળીયા એ વિદ્યાર્થીઓના પ્રયાસોને સરાહતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ભવિષ્યની ખેતી પદ્ધતિ છે, જે જમીનની ઉપજાઉ શક્તિ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓની આ પહેલથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે સકારાત્મક સંદેશ ફેલાયો છે અને ખેડૂતો સુધી આ પદ્ધતિ પહોંચાડવામાં આવી રહેલી પ્રયાસોને વધુ બળ મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai