
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) ગાંધીનગર ખાતે 8 જાન્યુઆરીના રોજ નેશનલ લો યુનિવર્સિટીમાં સ્વનિધિ સમારોહ–2026નું આયોજન શહેરી આજીવિકા મિશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુ દેસાઈ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. રાજ્યની તમામ 156 નગરપાલિકાઓના પદાધિકારીઓ અને મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં PM સ્વનિધિ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિદ્ધપુર નગરપાલિકાને સન્માનિત કરવામાં આવી હતી. સિદ્ધપુર નગરપાલિકાએ ગાંધીનગર ઝોનની 26 નગરપાલિકાઓમાં ત્રીજો અને રાજ્ય સ્તરે સાતમો ક્રમ પ્રાપ્ત કરી એવોર્ડ મેળવ્યો હતો.
સિદ્ધપુર નગરપાલિકાએ આ યોજના અંતર્ગત કુલ 1211 લાભાર્થીઓને વિવિધ વ્યવસાય માટે ₹2.13 કરોડની લોન ફાળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ નગરપાલિકા પ્રમુખ અનીતા એમ. પટેલ અને ચીફ ઓફિસર કૃપેશ જે. પટેલને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ થેનારાસન દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીના માર્ગદર્શન સાથે GULM શાખાના કર્મચારીઓ ચેતનાબેન ચૌહાણ, સમીરભાઈ શુક્લ અને ભાગ્યારાજ પી. શ્રીમાળીના યોગદાનને પણ નોંધપાત્ર માનવામાં આવ્યું છે. નગરપાલિકાની આ ઉપલબ્ધિને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ