
સોમનાથ 8 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ વડાપ્રધાનશ નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અખંડ પ્રવાહને વર્તમાન અને ભવિષ્ય સાથે જોડતો રાષ્ટ્રીય સંકલ્પ બની રહેવાનો છે ત્યારે સોમનાથ મંદિરની ભવ્યતા સાથે વર્ષો જૂનો ઈતિહાસ વણાયેલો છે. ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનામાં સોમનાથ મંદિર એક મંદિર માત્ર નથી, પરંતુ તે અખંડ આસ્થા, રાષ્ટ્રીય અસ્મિતા અને સંસ્કૃતિના પુર્નઉત્થાનનું જીવંત પ્રતિક છે.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના ઐતિહાસિક સ્વાભિમાન અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. આ પર્વના પરિપ્રેક્ષ્યમાં મંદિર પરિસરમાં સ્થિત બાણસ્તંભનું વિશેષ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ઉજાગર થાય છે.
સોમનાથ મંદિરના પ્રાંગણમાં અરબી સમુદ્ર તરફ અભિમુખ બાણસ્થંભ પ્રાચીન ભારતની વૈજ્ઞાનિક દૃષ્ટિ, ભૂગોળીય સમજ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક છે. બાણસ્તંભ પર અંકિત સંસ્કૃત શિલાલેખ મુજબ (आसमुद्रांत दक्षिण ध्रुव,पर्यंत अबाधित ज्योर्तिमार्ग) અહીંથી દક્ષિણ દિશામાં પૃથ્વીના અંત સુધી કોઈ ભૂખંડ-જમીન નથી, જે તત્કાલિન ભારતના વિદ્વાનોની વિકસિત ભૂગોળીય સમજને દર્શાવે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત બાણસ્તંભ ભારતના અખંડ સ્વાભિમાન, અવિરત સંસ્કૃતિ અને પુનર્જાગૃતિના સંદેશનું પ્રતિક છે. આંક્રાતાઓના વારંવારના આક્રમણો અને વિધ્વંસ બાદ પણ સોમનાથ મંદિરનું પુન:ર્નિર્માણ અને તેની સાથે જોડાયેલી વિરાસત ભારતની અડગ આસ્થા અને આત્મ સન્માનને પ્રતિબિંબિત કરે છે.
સોમનાથ મંદિરના પુનર્નિર્માણથી લઈને વડાપ્રધાનશ્રીના દૃઢ સંકલ્પ સમાન સ્વાભિમાન પર્વ સુધીની યાત્રા ભારતની સાંસ્કૃતિક પુનઃસ્થાપનાની સાક્ષી છે. આ પરંપરાને વધુ મજબૂતી આપતા વડાપ્રધાનનરેન્દ્ર ભાઈ મોદીની સોમનાથ પ્રત્યે વ્યક્ત થયેલી અતૂટ આસ્થા અને સન્માન, રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાને નવી ઊંચાઈ આપે છે. તેમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રચારને વિશેષ પ્રાધાન્ય મળ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત બાણસ્તંભનું સ્મરણ નવી પેઢીને ભારતના ગૌરવસભર ઇતિહાસ સાથે જોડે છે અને આત્મવિશ્વાસ, વૈજ્ઞાનિક વિચાર તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે. આ પર્વ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ ભારતના અખંડ સ્વાભિમાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાની જીવંત અભિવ્યક્તિ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે.
જય મિશ્રા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ