
જૂનાગઢ, 8 જાન્યુઆરી (હિ.સ.) : ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ઉચ્ચતમ શિખર એવા સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની દ્રઢ સંકલ્પ અને પ્રેરણાથી સાકાર થયું છે. સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ અનેક મુશ્કેલીઓ અને પડકાર વચ્ચે સરકારી ખર્ચે નહીં પણ લોક ફાળા- જન ભાગીદારીથી થયું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદ ખાતે તેમના આખરી જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથના મંદિરના નિર્માણ માટે લોક ફાળો એકત્ર કરવાની ટહેલ પણ નાખી હતી. આ પૂર્વે પણ સરદારની સરદારની પ્રેરણાથી તત્કાલીન જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રથમ ૧.૫૧ લાખનું ટ્રસ્ટને દાન આપ્યું હતું. તેમણે ૧૯૪૯ સુધીમાં આશરે ૨૫ લાખ જેટલું ભંડોળ પણ એકત્ર કરી આપ્યું હતું.
આ સંદર્ભમાં જૂનાગઢના જાણીતા ઇતિહાસકાર ડો. વિશાલ જોશી કહે છે કે, સોમનાથ મંદિરના નિર્માણ માટે નાનજી કાલિદાસ મહેતા સહિતના શ્રેષ્ઠિઓ અને લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. ઉપરાંત જાન્યુઆરી ૧૯૪૯માં પણ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સોમનાથ મંદિરના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવા ઠરાવ પણ થયો હતો. આમ, દેશભરમાંથી સોમનાથ મંદિરના નિર્માણ માટે આર્થિક યોગદાન મળ્યું હતું.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સરદાર ન હોત તો સોમનાથ મંદિરનું પુન : નિર્માણ શક્ય ન બનત, આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના નિર્માણ માટે અનેક મુશ્કેલીઓ અને પડકારો આવ્યાં હતાં, તત્કાલીન સરકારનો પણ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે સહકાર મળ્યો ન હતો, પણ મજબૂત સંકલ્પને લીધે મંદિરનું નિર્માણ થયું હતું.
ડો. વિશાલ જોશી કહે છે કે, સોમનાથ મંદિરના વૈભવ પર અનેકોવખત વિદેશી આક્રાંતાઓએ કરડી નજર કરી, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનારૂપ સોમનાથને બચાવવા માટે સેકડો લોકોએ બલિદાન આપ્યા છે, સોમનાથ મંદિર પર ગજનવીએ ચડાઈ કરી હતી. ત્યારે પણ જ્ઞાતિજાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા હતા. આશરે ૧.૫૦ લાખના સૈન્ય સાથે આવેલો ગઝનવી આશરે ૫,૦૦૦ ના લશ્કર સાથે ગયો હતો, અહીંથી લૂંટ કર્યાં બાદ ગજનવીને શાંતિ ન મળી હતી અને આંતરકલહથી ઘેરાયો હતો.
તેઓ એમ પણ કહે છે કે, આ ભૂમિ અને લોકોની તાસીર જુદી છે, હંમેશા પડકારોને બહાદુરી પૂર્વક ઝીલ્યાં છે, એટલે જ અનેક પડકારો વચ્ચે ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ શિખરરૂપ સોમનાથ તીર્થ આજે પણ આત્મગૌરવ સાથે અડગતા સાથે ઊભું છે.
તેમણે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વમાં 'સ્વાભિમાન પર્વ' ઉજવાશે, ત્યારે ભારતીય સંસ્કૃતિના ગૌરવગાનથી નવી પ્રેરણા પણ મળશે. આ સાથે તેમણે સરદારને વંદન અને વડાપ્રધાનને સ્વાભિમાન પર્વની ઉજવણી કરવા માટે અભિનંદન પણ આપ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 'સ્વાભિમાન પર્વ' થી ભારતની પ્રાચીન વિરાસતને આધુનિકતા સાથે જોડવાનો પ્રયાસ છે અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ વિનાશ પર નિર્માણના વિજયની ગાથા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ