
નવસારી, 08 જાન્યુઆરી (હિ.સ.): નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ ફરી એક વખત જીવ લીધો છે. છાપરા–મોગાર રોડ પર બાઈક ચલાવી રહેલા 28 વર્ષીય યુવકનું રખડતા ઢોર સાથે અકસ્માત થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, તેજસ અરવિંદભાઈ પટેલ બાઈક પર છાપરા–મોગાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક રસ્તા પર આવી પડેલા રખડતા ઢોર સાથે તેમની બાઈક અથડાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે તેજસને ગંભીર ઇજાઓ પહોંચી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓ બચી શક્યા નહીં. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના અકાળ અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નવસારી શહેરમાં રખડતા ઢોરને કારણે થતા અકસ્માતો સતત વધી રહ્યા છે. અગાઉ પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો કેટલાકે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
શહેરવાસીઓનું કહેવું છે કે પાલિકા માત્ર અકસ્માત પછી થોડા દિવસો માટે કાર્યવાહી કરી સંતોષ માને છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય છે. લોકોની માંગ છે કે પશુ માલિકો સામે કડક પગલાં લેવામાં આવે અને શહેરના રસ્તાઓને સુરક્ષિત બનાવવા માટે અસરકારક નીતિ અમલમાં મૂકવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે