
જામનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરમાં વધુ એક સી.એ.ને ત્યાં જીએસટી વિભાગ ત્રાટક્યું છે અને શહેરના રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિપીન ભંડેરીની ઓફિસે સુરત થી આવેલી જીએસટી વિભાગની ટીમ ત્રાટી હતી, અને દસ્તાવેજો ફાઈલો સહિતનું સાહિત્ય ચકાસવાની કામગીરી હાથ ધરી હતી, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. બોગસ જીએસટી નંબરની આશંકાના પગલે આ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, અને જામનગર શહેરમાં તપાસના અંતે જીએસટીનું વધુ એક મસમોટું કૌંભાડ ખૂલવાની શકયતા પણ નકારી શકાતી નથી.
જામનગરમાં થોડા દિવસો પહેલાં જી.એસ.ટી. વિભાગ ના દરોડો બાદ એક પછી એક મસમોટા કૌંભાડનો પર્દાફાશ થઈ રહ્યો છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે જામનગર શહેર એ જીએસટી બોગસ બીલીંગનું જાણે એ.પી. સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. અને શંકાસ્પદ બાબત એ છે કે, જીએસટીના સ્થાનિક અધિકારીઓને આ કૌંભાડની ગંધ સુધા આવતી નથી .રાજ્યની બીજી જીએસટીની ટુકડી જામનગર આવીને સર્ચ ઓપરેશન કરી જાય છે, અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે તેનાથી અજાણ રહે છે.
અત્રે ઉલ્લેખ છે કે જામનગરમાં ટાઉનહોલ નજીકના વિસ્તારમાં ઓફિસ ધરાવતા સી.એ. કમલેશ રાઠોડ ને ત્યાં અગાઉ જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તેઓની રાજસ્થાનના અન્ય એક કેસમાં અટકાયત પણ થઈ હતી, અને અહીં જામનગરમાં પણ ચેકિંગ કરાયું હતું. ત્યારબાદ હિરજી મિસ્ત્રી રોડ ઉપર અલ્પેશ પેઢડિયા નામના અન્ય સી.એ. ને ત્યાં પણ ચેકિંગની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી, અને કરોડોનું બોગસ બીલિંગ નું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, ત્યાં એક માસના સમય ગાળામાં આ ત્રીજા સી.એ.ને ત્યાં ચેકિંગ ની કાર્યવાહી થઈ હોવાથી જામનગર શહેરમાં ભારે ખડભડાટ મચી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt