ગાંધીનગર ખાતે મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો
ગાંધીનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : GNLU-ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શહેરી વિકાસ મંત્રીના હસ્તે “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહા
“સ્વનિધિ સમારોહ-૨૦૨૬” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો


“સ્વનિધિ સમારોહ-૨૦૨૬” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો


“સ્વનિધિ સમારોહ-૨૦૨૬” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો


ગાંધીનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : GNLU-ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શહેરી વિકાસ મંત્રીના હસ્તે “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ક્રેડિટ કાર્ડ માટેના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ, મંત્રીશ્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓના પ્રમોશન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી – આત્મનિર્ભર સખી” લોગોનું તેમજ ગુજરાત શહેરી આજીવિકા મિશનની નવીન વેબસાઈટનું અનાવરણ કર્યું હતું.

રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજનાનું શ્રેષ્ઠ અમલીકરણ કરનાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને શહેરી વિકાસ મંત્રીએ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કર્યા હતા. જેમાં મેગા સિટી કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ અને સુરત મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે, મેજર સિટી કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ, જામનગર મહાનગરપાલિકાએ દ્વિતીય અને જૂનાગઢ મહાનગરપાલિકાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત નગરપાલિકા કેટેગરીમાં હિંમતનગર નગરપાલિકાએ પ્રથમ, મહુવા નગરપાલિકાએ દ્વિતીય અને પેટલાદ નગરપાલિકાએ તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો.

વધુમાં, સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઊંઝા, ડાકોર, હાલોલ, બોરસદ, સિદ્ધપુર, જંબુસર અને કાલોલ શહેરી સ્થાનિક સંસ્થાઓને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વનિધિ સમૃદ્ધિ અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહાનગરપાલિકા કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે, નગરપાલિકા કેટેગરીમાં પ્રથમ ક્રમે બારડોલી, દ્વિતીય ક્રમે પાલીતાણા અને તૃતીય ક્રમે વિસાવદર નગરપાલિકાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની કમાન સંભાળી રાજ્યને સામાજિક અને આર્થિક રીતે પુનઃ બેઠું કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત અને જ્યોતિર્ગ્રામ જેવી નવતર યોજનાઓ થકી તેમણે ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર રાખ્યું હતું. ખાસ કરીને 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' જેવી પહેલના પરિણામે આજે ગુજરાતની ૪૮ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. આ વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે, જેમણે વર્ષ ૨૦૨૫ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર કરીને શહેરોના વિકાસ માટે જંગી બજેટની ફાળવણી કરી છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ મહામારીના કપરા સમયમાં નાના વેપારીઓ અને ફેરિયાઓની આર્થિક સુરક્ષા માટે 'પીએમ સ્વનિધિ યોજના' અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ કોઈપણ ગેરંટી વિના લોન આપીને લાખો પરિવારોને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે, જે યોજના હવે વર્ષ ૨૦૩૦ સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત આજે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં પણ દેશભરમાં અગ્રેસર બન્યું છે, જે રાજ્યની આર્થિક સદ્ધરતા અને આધુનિકતાનું પ્રતીક છે.

અંતમાં મંત્રીએ 'સ્વચ્છ ગુજરાત થકી સ્વચ્છ ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. તેમણે ઉપસ્થિત મેયરો, કમિશનરો અને નગરપાલિકાના હોદ્દેદારોને શહેરોમાં ગટર, ડ્રેનેજ અને શુદ્ધ પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરીને ગુજરાતને શહેરી વિકાસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે રોલ મોડલ સ્ટેટ બનાવવાનું આહ્વાન કર્યું હતું.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને સ્વાગત ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ ૨૦૦૫ને શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને શહેરોના વિકાસની અવિરત યાત્રાની શરૂઆત કરી હતી. શહેરમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા નાગરિકોની સુખ-સુવિધા માટે ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. આજનો કાર્યક્રમ એ વાતની સાબિતી છે કે, શહેરોના નાના વેપારીઓ અને વેન્ડર્સ માટે અમલી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અમલીકરણથી યોગ્ય લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચી રહ્યો છે.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ વિભાગ-હાઉસિંગના સચિવ રાજકુમાર બેનિવાલ, ગુજરાત શહેરી આજીવિકા મિશનના મિશન ડાયરેક્ટર સંગીતા રૈયાણી, મહાનગરપાલિકાના મેયરઓ, કમિશનરઓ, નગરપાલિકાના પ્રમુખઓ, ચીફ ઓફિસરઓ તથા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande