

પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં કાતિલ ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ ઉપલીશેરી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવ્યું. આશાપુરા માતાજીના મંદિર નજીક આવેલા ભરચક વિસ્તારમાં ભાલચંદ્ર ચંદુલાલ ઠાકરના ઘરના તાળા અને નકૂચા તોડી તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા.
તસ્કરોએ ઘરની અંદર રહેલી તિજોરી અને કબાટો તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો. સ્થાનિક સૂત્રો મુજબ મોડી રાત્રે લગભગ 2 વાગ્યે શ્વાનોના ભસવાનો અવાજ સંભળાયો હતો. મકાન માલિક બહાર હોવાથી ચોરીની ચોક્કસ રકમ પરિવારના આગમન બાદ જ જાણી શકાશે.
આ ઘટનાથી ઉપલીશેરી વિસ્તારમાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. છેલ્લા સમયથી રાત્રિ હોમગાર્ડ પોઈન્ટ બંધ હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકોએ સંવેદનશીલ વિસ્તારોમાં CCTV સ્થાપિત કરવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ