
સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.): DGVCL દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી એપ્રિલ–2024થી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં કેટલાક વીજ ગ્રાહકોમાં અસમંજસ અને દ્વિધા જોવા મળી હતી, પરંતુ સ્માર્ટ મીટરની ઉપયોગિતા તથા ભવિષ્યલક્ષી લાભોની જાણકારી વધતાં ગ્રાહકો તરફથી ઉત્તમ અને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આજ દિન સુધીમાં 8.95 લાખથી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
આ હકારાત્મક સહકારના પરિણામે વલસાડ વર્તુળ કચેરીના તાબા હેઠળની ગુંદલાવ પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં 100% સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન પૂર્ણ થયું છે, જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક એમ તમામ પ્રકારના વીજ ગ્રાહકોનો સમાવેશ થાય છે. જે વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટર પ્રત્યે વધતી વિશ્વસનીયતા અને સ્વીકાર્યતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત વાપી GIDC તથા વાપી વેસ્ટ પેટા વિભાગીય કચેરીમાં પણ આશરે 90% સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયું છે, જે ટૂંક સમયમાં 100% પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ સિદ્ધિ માનવંતા વીજ ગ્રાહકોના હકારાત્મક અભિગમ, સમજદારી અને સહકારથી શક્ય બની છે, જે બદલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તમામ વીજ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરે છે. DGVCL વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટર સ્થાપન અંગે જન જાગૃતિ ફેલાવવા માટે તેમજ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ સેવા પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને રહેશે.
DGVCL આવનાર સમયમાં પણ ટેક્નોલોજી આધારિત નવતર પહેલો દ્વારા વીજ સેવાઓને વધુ સરળ, વિશ્વસનીય અને પારદર્શક બનાવતી રહેશે. તેના ભાગરૂપે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સાથે સાથે, એક લાઇન પર ફોલ્ટ સર્જાય ત્યારે વીજ પુરવઠો તાત્કાલિક બીજી લાઇન પરથી કાર્યરત કરી શકાય તેવી અદ્યતન ટેક્નોલોજી એટલે કે RMU (રીંગ મેઇન યુનિટ) અને આ ટેકનોલોજીને રીમોટ લોકેશનથી ઓપરેટ કરી શકાય તે માટે SCADA જેવી આધુનિક ટેક્નોલોજી વાળી સિસ્ટમને પણ સ્થાપિત કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે