પ્રતાપગઢના પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની ખેતીથી સર્જી સફળતાની મિસાલ, એક વીઘે એક લાખથી વધુની આવક
અમરેલી, 09 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી છે અને પપૈયાના વાવેતરથી એક જ સિઝનમાં નોંધપાત્ર આવક મેળવી છે. બદલાતા ખેતીના સમયમાં આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય પાક પસ
પ્રતાપગઢના પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની ખેતીથી સર્જી સફળતાની મિસાલ, એક વીઘે એક લાખથી વધુની આવક


અમરેલી, 09 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી છે અને પપૈયાના વાવેતરથી એક જ સિઝનમાં નોંધપાત્ર આવક મેળવી છે. બદલાતા ખેતીના સમયમાં આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય પાક પસંદગીથી ખેતી પણ નફાકારક બની શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ પ્રતાપગઢના ખેડૂત જયંતીભાઈ સખવાળા બન્યા છે.

જયંતીભાઈ સખવાળા (ઉંમર 45 વર્ષ), જેમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં નવીન પ્રયોગો કરી રહ્યા છે. તેમણે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામમાં કુલ 11 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે. બાગાયતી પાક તરીકે પપૈયા તરફ વળવાનો નિર્ણય તેમણે યોગ્ય માર્ગદર્શન, બજારની માંગ અને ઓછા સમયમાં વધુ આવકની સંભાવનાને ધ્યાનમાં રાખીને લીધો હતો.

જયંતીભાઈએ ‘રેડ લેડી’ નામની પપૈયાની જાતનું વાવેતર કર્યું છે, જે વધુ ઉત્પાદન અને ગુણવત્તા માટે જાણીતી છે. એક વીઘામાં અંદાજે 350 રોપાનું વાવેતર કરવામાં આવે છે. એક રોપામાંથી સરેરાશ 60 કિલોગ્રામથી લઈને 150 કિલોગ્રામ સુધીનું ઉત્પાદન મળી શકે છે. આ રીતે એક વીઘામાં 10 ટનથી વધુ પપૈયાનું ઉત્પાદન થતું હોવાનું તેઓ જણાવે છે.

હાલ બજારમાં પપૈયાનો ભાવ પ્રતિ કિલોગ્રામ અંદાજે 15 થી 20 રૂપિયા સુધી મળી રહ્યો છે. આ ભાવ મુજબ એક વીઘામાંથી અંદાજે એક લાખથી એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની આવક થાય છે. જયંતીભાઈના કુલ 11 વીઘાના વાવેતરથી એક સિઝનમાં અંદાજે 11 લાખ રૂપિયાથી વધુની આવક થવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે એક વીઘામાં પપૈયાના વાવેતર માટેનો ખર્ચ અંદાજે 30 હજાર રૂપિયા જેટલો થાય છે, એટલે કે ખર્ચની સરખામણીએ નફો ખૂબ જ સારો મળે છે.

પપૈયાનું વેચાણ અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારો ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ થાય છે. શહેરોમાં પપૈયાની સતત માંગ રહેતી હોવાથી ખેડૂતોને બજારની ચિંતા ઓછી રહે છે. યોગ્ય સમય પર કાપણી અને વેચાણ થવાથી ભાવ પણ સારો મળી રહે છે.

અમરેલી જિલ્લાના અનેક ખેડૂતો હવે પરંપરાગત પાકો છોડીને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. પપૈયું, મોસંબી, દાડમ જેવા પાકોથી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. જયંતીભાઈ સખવાળાની સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તેઓ માને છે કે યોગ્ય આયોજન, મહેનત અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે તો ખેતી આજે પણ લાભદાયી વ્યવસાય બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande