
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવાના ઉદ્દેશથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓની ભાગીદારીથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 9 જાન્યુઆરી 2026, શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નંબર 1, જિલ્લા સેવા સંકુલ, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા ખાતે યોજાશે.મહેસાણા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદી મુજબ, આ ભરતીમેળામાં ધોરણ 10, ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો માટે વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. વિવિધ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ માટે સ્થળ પર જ ઇન્ટરવ્યુ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બાયોડેટા, જરૂરી પ્રમાણપત્રોની નકલો તથા ઓળખના દસ્તાવેજો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને આ તકનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ ભરતીમેળો દિવ્યાંગ ઉમેદવારો માટે આત્મનિર્ભરતા અને રોજગારની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR