પોરબંદરમાં શિક્ષકોની તાલીમ દરમિયાન બે શિક્ષકો વચ્ચે મારામારી
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચાવનાર બનાવ બન્યો છે જેમાં ડાયેટ ભવન ખાતે પ્રાથમિક શાળાના આચાર્યોની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મારામારીનો બનાવ બન્યો હતો - પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પણ ફરિયાદ દાખલ થઈ નથી.
પોરબંદરમાં શિક્ષકોની તાલીમ દરમિયાન બે શિક્ષકો વચ્ચે મારામારી


પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચાવનાર બનાવ બન્યો છે જેમાં ડાયેટ ભવન ખાતે પ્રાથમિક શાળાના આચાર્યોની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મારામારીનો બનાવ બન્યો હતો - પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પણ ફરિયાદ દાખલ થઈ નથી.

પોરબંદરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તારીખ 1 થી 3 જાન્યુઆરી દરમિયાન મુખ્ય શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકારના નિયમ પ્રમાણે થયેલા આ આયોજનમાં અમુક શિક્ષકો વર્ષોથી પોતાની મોનોપોલી ચલાવીને પૂરતાં પ્રમાણમાં નિયમ અનુસાર તાલીમ લેવા ને બદલે માત્ર સહી કરીને નીકળી જતા હોય છે અથવા તો હાજરી આપતા નથી ત્યારે તાલીમમાં હાજર રહેવા અંગે ની સુચના મોકલવામાં આવતા તે મુદ્દા અનુસંધાને માથાકૂટ થઈ હતી અને આ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. વધુ ઉગ્ર ઝઘડો બને તથા લોહીયાળ જંગ ખેલાય તે પહેલા બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી ન હતી અને બંને પક્ષે સમાધાન માટેના પ્રયાસો થયા હતા.

આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારને પૂછવામાં આવતા તેણે ગોળ ગોળ જવાબ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવું જણાવ્યું હતું કે ડાયટ ખાતે એક થી ત્રણ ના મુખ્ય શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ અંદરો અંદર સમાધાન થઈ ગયું હતું જેથી તેમના સુધી કોઈ લેખિત ફરિયાદ આવી નથી અને કારણ પણ મને જાણવા મળ્યું નથી. બે શિક્ષકો કોણ હતા તેની પણ મને ખબર નથી. જો વિદ્યાર્થીઓના હિતમાં ડેટા આવશે કે લેખિત ફરિયાદ થશે તો હું કાર્યવાહી કરીશ તેમ જણાવ્યું હતું. જેથી આશ્ચર્ય સર્જાયું છે કારણ કે સમગ્ર જિલ્લાના શિક્ષણ અધિકારી જો આ રીતે જવાબદારી ખંખેરીને પોતાના સુધી પહોંચ્યું નથી એટલે પગલાં લેવા નથી તેમ જણાવીને છટકવાનો પ્રયાસ કરતા હોય તો આ બાબત રાજકીય રીતે પણ મહત્વની ગણવામાં આવે છે અને બે સંઘ વચ્ચેની પદ માટેની કે પ્રતિષ્ઠા માટેની તો આ લડાઈ નથી ને? તેવા સવાલો પોરબંદરના શિક્ષણ જગતમાંથી ઉઠી રહ્યા છે અને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા અધિકારીઓ સામે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને ડાયટ ભવનના એ સમયના સીસીટીવી ફૂટેજ થી માંડીને વિગતો માંગવાની કાર્યવાહી પણ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સુધી આ વાત પહોંચાડીને શિક્ષણ વિભાગને સમૂસુતરૂ કરવાની માગણી પણ થઈ છે. ભલે સમાધાન થઈ ગયું હોય પરંતુ આચાર્ય દરજ્જાની વ્યક્તિઓ દ્વારા આ પ્રકારની તાલીમોમાં જાહેરમાં ડખા થયા હોય અને વાત પોલીસ સુધી પહોંચી હોય છતાં પણ શિક્ષણ વિભાગ ના અધિકારીઓ લાચાર બનીને લેખિત ફરિયાદ નથી આવી એટલે કોઈ જ કાર્યવાહી કરી શકવાને સક્ષમ ન હોય તેવું જણાવતા હોય ત્યારે વધુ આશ્ચર્ય સર્જાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande