
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, જિલ્લા પંચાયત મહેસાણા તથા તાલુકા હેલ્થ ઓફિસ વિજાપુર ના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચંદ્રનગર ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર મહાદેપુરા હેઠળ યોજાઈ હતી, જેમાં ગામને “સ્મોક ફ્રી વિલેજ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
ગ્રામસભામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, પંચાયત પ્રતિનિધિઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તમાકુ અને ધુમ્રપાનના આરોગ્ય પર થતા ગંભીર દુષ્પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ખાસ કરીને કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધિત બીમારીઓ તથા પરિવાર પર પડતા નકારાત્મક અસરો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તમાકુ મુક્ત અને સ્મોક ફ્રી ગામ માટે ગ્રામજનોની સક્રિય ભાગીદારી અતિ આવશ્યક છે. ગામમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન ન કરવું, યુવાનોને વ્યસનથી દૂર રાખવા જાગૃતિ અભિયાન ચલાવવું તથા નિયમિત દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. ગ્રામજનોએ પણ સ્વયંસ્ફૂર્ત રીતે સહકાર આપવાની તૈયારી દર્શાવી.
ગ્રામસભાના અંતે ચંદ્રનગર ગામને ધુમ્રપાન અને તમાકુ મુક્ત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની અપીલ કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR