

મહેસાણા,09 જાન્યુઆરી (હિ.સ.) ઉત્તર ગુજરાતમાં રવી સિઝનના મુખ્ય પાક ચણામાં લીલી ઈયળના વધતા ઉપદ્રવથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ચોમાસામાં ભારે વરસાદ અને ત્યારબાદ પડેલા કમોસમી માવઠાંથી પહેલેથી નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતોને રવી પાકથી થોડી ભરપાઈની આશા હતી, પરંતુ હવે જીવાતના હુમલાથી આ આશા પર જોખમ મંડરાઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં ચણાનો પાક ફૂલ, પોપટા અને ફાલના તબક્કે પહોંચતા જ ઈયળો દ્વારા નુકસાન પામતો જોવા મળી રહ્યો છે.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વાદળછાયું વાતાવરણ, ભેજનું પ્રમાણ અને અપેક્ષિત ઠંડીનો અભાવ લીલી ઈયળના પ્રજનન માટે અનુકૂળ સાબિત થયો છે. ખાસ કરીને જ્યાં ચોમાસા બાદ ખેતરોમાં પાણી ભરાયા હતા ત્યાં ઉપદ્રવ વધુ છે. લીલી ઈયળ પાંદડા, ફૂલ અને ફાલને કોરી ખાઈ જતા ઉત્પાદન પર સીધી અસર થાય છે.
ઘણા ખેડૂતો ખભા પર 25 લિટરના પંપ સાથે મોંઘી દવાઓનો સતત છંટકાવ કરી રહ્યા છે, છતાં અસર મર્યાદિત રહી છે. પરિણામે ખેતી ખર્ચ વધ્યો છે. નિષ્ણાતો સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવાની સલાહ આપે છે, જેમ કે ‘T’ આકારના ટેકા, એકર દીઠ 5 થી 8 ફેરોમેન ટ્રેપ અને શરૂઆતમાં લીંબોળીના તેલનો છંટકાવ. વધુ ઉપદ્રવમાં ભલામણ કરેલી દવાઓ યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાની જરૂર છે. સમયસર કાળજી અને માર્ગદર્શનથી જ પાકને બચાવી શકાય તેમ હોવાનું નિષ્ણાતો માને છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR