
જૂનાગઢ, 09 જાન્યુઆરી (હિ.સ.) કરૂણા અભિયાન ઉતરાયણ પર્વ નિમિતે જૂનાગઢ જિલ્લામાં૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરૂણા અભિયાન યોજાનાર છે.કરૂણા અભિયાનના આયોજન સંદર્ભે જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડના અધ્યક્ષસ્થાને આજ રોજ બેઠક યોજાઈ હતી.
ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ધાયલ ન થાય તેમજ ધાયલ થયેલ નિર્દોષ પક્ષીઓની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા માટે “કરૂણા અભિયાન-૨૦૨૬” અંતર્ગત આજ જિલ્લા પંચાયત, જૂનાગઢના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ બેઠકમાં ઉતરાયણ પર્વ દરમિયાન તા.૧૦/૦૧/૨૦૨૬ થી તા.૨૦/૦૧/૨૦૨૬ સુધી પતંગની દોરીથી ધાયલ થનારા નિર્દોષ પક્ષીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા માટે “વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઘાયલ થયેલ પશુ તથા પક્ષીઓના રેસ્ક્યુની પ્રક્રિયા, સારવાર દરમિયાન અપનાવવાની જરૂરી તકેદારી, તેમજ શું કરવું અને શું ન કરવું તે અંગે પશુચિકિત્સા અધિકારીઓ અને આ અભિયાન સાથે જોડાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી અભિયાન દરમ્યાન પશુ-પક્ષીઓને અસરકારક, સુરક્ષિત અને માનવીય સારવાર સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય.
આ અભિયાન અંતર્ગત પશુસારવારની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમા તમામ પશુદવાખાનાઓ અને વેટરનરી પોલીક્લિનિકો તેમજ મોબાઇલ પશુદવાખાઓમાં ઘાયલ પશુ-પક્ષીઓને વિનામૂલ્યે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉતરાયણ દરમ્યાન ગાય સહિતના પશુઓમાં નોંધાતા આફરા (Bloat) જેવા ઈમરજન્સી કેસો માટે ખાસ સારવાર વ્યવસ્થા કાર્યરત રહેશે. પશુસારવાર સંસ્થાઓ ખાતે ઇમરજન્સી દવાઓ, સર્જિકલ સાધનો અને જરૂરી સારવાર સામગ્રી પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવામાં આવશે.તેમજ ધાયલ પશુ-પક્ષીઓની સારવાર માત્ર પશુચિકિત્સકની હાજરી અને દેખરેખ હેઠળ કરવામાં આવશે.સારવાર દરમ્યાન જૈવિક કચરાના (Bio-Medical Waste) નિકાલ માટે સરકારના નક્કી કરેલા નિયમોનું કડક પાલન કરવામાં આવશે.
આ ઉપરાંત રોગચાળો ફેલાય નહીં તે માટે પશુસારવાર કેન્દ્રો, પાંજરા તથા આસપાસના વિસ્તારમાં ડિસઇન્ફેક્શન અને સ્વચ્છતાની વિશેષ તકેદારી રાખવામાં આવશે.સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને વન વિભાગના સંકલનમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે.ગંભીર અથવા ઇમરજન્સી કેસોમાં એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨ તથા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને EMRI-GHS સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે.
સમગ્ર અભિયાન દરમ્યાન નિર્દોષ પક્ષીઓને ઈજા થતી અટકાવવા પક્ષીઓના ઉડવાના સમયે એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાડવા અને પશુ-પક્ષીઓ પ્રત્યે માનવિય અભિગમ, સુરક્ષા અને કરુણાનો ભાવ જાળવાય તે માટેની જરૂરી કાળજી રાખવા વહિવટીતંત્ર દ્રારા અપીલ કરવામાં આવે છે.
આ ઉપરાંત ઉતરાયણ પર્વ દરમિયાન શ્રધાળૂઓ દ્રારા ગૌશાળા/પાંજરાપોળ કે અન્ય જગ્યાએ ગાયોને વધુમાત્રામાં અનાજ કે લીલો કાચો ચારો આપવામાં આવે તો, પશુઓમાં ખોરાકી ઝેર (ફુડ પોઈઝેનીગ) થતુ હોય છે. જેના કારણે નિર્દોષ પશુઓ બિમાર થાય અથવા તો મૃત્યુ થતુ હોય છે. આમ, શ્રાધાળૂઓનુ દાન નિર્ધોષ પશુઓના બિમારી કે મૃત્યુનું કારણ ન બને તે નિવરવા યોગ્ય માત્રામાં જ અનાજ કે લીલો ચારો પશુઓને નિરવો અથવા તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા તમામ શ્રધાળુઓએ અને સંસ્થાઓના સંચાલકોને અપીલ કરવામાં આવે છે.
આ બેઠકમાં “પક્ષી બચાવો અભિયાન” સાથે સંકળાયેલ મહાનગર પાલિકા, જીવ દયા, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ